પ્રેસનોટ
તારીખ: ૨૮/૧૦/૨૦૨૬
સ્થળ: સુરત
સુરતના મહેરબાન ૧૧માં એડિશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબની સ્પે. એન.આઈ. એક્ટ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હીરાના વેપારમાં આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે.
કેસની ટૂંકી વિગત:
આ કામના ફરિયાદી શ્રી ભગીરથ ખોડાભાઈ નાવડીયા (આરા ઇમ્પેક્સના પ્રોપરાઇટર, રહે. મોટા વરાછા, સુરત) હીરા મેન્યુફેક્ચરિંગ અને ખરીદ-વેચાણનો ધંધો કરે છે. આરોપી શ્રી પારસ હિરાલાલ મહેતા (રહે. અડાજણ, સુરત) હીરા દલાલી અને લે-વેચનો ધંધો કરે છે.
આરોપી પોતાના દલાલ સાથે ફરિયાદીની પેઢી પર આવ્યા હતા. તેમણે પોતે મોટા વેપારી હોવાનું જણાવી લાંબા સમય સુધી હીરાની ખરીદી કરી અને સમયસર પેમેન્ટ પણ કર્યું હતું. છેલ્લે આરોપીએ “માલ મળ્યા પછી પૈસા ચૂકવી આપીશ” એમ કહી હીરાનો ઓર્ડર આપ્યો હતો. તેના આધારે ફરિયાદીએ તા. ૦૧/૦૬/૨૦૨૩ના બિલ નં. ૦૧/૨૩-૨૪થી **રૂા. ૩,૮૨,૯૭૫/-**નો માલ મોકલ્યો હતો.
વારંવાર માંગણી પછી આરોપીએ આ રકમ પેટે ICICI બેંક, મુંબઈ શાખાનો **રૂા. ૩,૮૨,૯૭૫/-**નો ચેક (નં. ૦૩૮૮૦૨, તારીખ: ૩૦/૦૬/૨૦૨૩) આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાની HDFC બેંક, કતારગામ શાખામાં જમા કરાવ્યો. તા. ૧૪/૦૮/૨૦૨૩ના રોજ ચેક *”INSTRUMENT NOT AS PER CTS 2010 STANDARDS”*ના શેરા સાથે પરત આવ્યો. આરોપીએ એક મહિનાનો સમય માંગ્યો અને ફરી ચેક જમા કરાવવા કહ્યું. પરંતુ તા. ૨૨/૦૯/૨૦૨૩ના રોજ ચેક ફરીથી એ જ કારણસર પરત ફર્યો.
ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફતે તા. ૩૦/૦૯/૨૦૨૩ના રોજ કાયદેસરની નોટિસ મોકલી હતી. આ નોટિસ આરોપીને મળી ગઈ હોવા છતાં તેમણે ખોટો જવાબ આપ્યો અને રકમ ચૂકવી નહીં. તેથી ફરિયાદીએ તા. ૦૭/૧૧/૨૦૨૩ના રોજ સુરત કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
ધારદાર દલીલો અને કોર્ટનો આદેશ:
આ કેસમાં ફરિયાદી તરફે સુરતના જાણીતા એડવોકેટ શ્રી નંદલાલ સાવલીયા (એન. ડી. સાવલીયા) હાજર રહ્યા હતા. તેમણે અદાલત સમક્ષ મૂળ ચેક, બેંકના રિટર્ન મેમો, નોટિસ, હીરાનું બિલ, જાંગડ, GST અને ઉદ્યમ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાથે જ મૌખિક અને લેખિત દલીલો દ્વારા સાબિત કર્યું હતું કે આરોપીએ કાયદેસરનું લેણું ચૂકવવા માટે જ આ ચેક આપ્યો હતો.
આરોપીને વારંવાર તક આપવામાં આવી હતી, છતાં તેમણે ફરિયાદીની ઉલટતપાસ કરી નહોતી કે કોઈ બચાવ રજૂ કર્યો નહોતો. તેથી ઉલટતપાસનો હક બંધ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીનું વર્તન ફક્ત કેસ લંબાવવાનું રહ્યું છે. સુપ્રીમ કોર્ટના વિવિધ માર્ગદર્શક ચુકાદાઓને ધ્યાનમાં લઈ અને એડવોકેટ શ્રી એન. ડી. સાવલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર કોર્ટે આરોપી પારસ હિરાલાલ મહેતાને દોષિત ઠેરવ્યા છે.
આખરી હુકમ (તા. ૧૨/૧૦/૨૦૨૬):
૧. આરોપી પારસ હિરાલાલ મહેતાને ૦૧ (એક) વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
૨. આરોપીએ ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ રૂા. ૩,૮૨,૯૭૫/- (અંકે રૂપિયા ત્રણ લાખ બ્યાંસી હજાર નવસો પંચોતેર પૂરા) ચૂકવવાની રહેશે. આ રકમ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦માં ચૂકવવાનો આદેશ છે.
૩. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે, તો તેમણે વધુ ૦૩ માસની સાદી કેદ ભોગવવી પડશે.
૪. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેમની વિરુદ્ધ સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Gujjunews24 Special Note: વેપારમાં ભરોસો કરીને માલ આપતા વેપારીઓ માટે આ ચુકાદો મહત્વનો છે. ચેક આપીને પેમેન્ટ ટાળનારાઓ માટે આ સ્પષ્ટ સંદેશ છે કે કાયદો તેમને છોડશે નહીં.


Recent Comments